ચાર દાયકાથી પણ વધારે સમય લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન 180થી વધારે ફિલ્મોમાં અભિનય કરનાર બોલીવૂડ અભિનેત્રી રેખા આજે એમનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે.
1970માં ‘સાવનભાદોં’ ફિલ્મથી કારકિર્દીનો આરંભ કરનાર રેખા છેલ્લે 2015માં ‘શમિતાભ’ ફિલ્મમાં જોવા મળ્યાં હતાં. 2018માં આવેલી ‘યમલા પગલા દિવાનાઃ ફિર સે’માં એમણે મહેમાન કલાકારનો રોલ કર્યો હતો.
‘ઘર’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘ખૂબસૂરત’, ‘ઉમરાવ જાન’, ‘સિલસિલા’, ‘ઉત્સવ’, ‘ખૂન ભરી માંગ’ જેવી અનેક ફિલ્મોને રેખાએ એમની આગવી અભિનયશક્તિ દ્વારા લોકપ્રિય બનાવી છે. જાજરમાન અભિનેત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા.
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે રજત જયંતી ૧૯૮૩ અંકનો)
ક્લોઝ અપ – રેખા
* ખરું નામ ભાનુ રેખા ગણેશન છે.
* જન્મ ૧૯૫૨ની ૧૦ ઓક્ટોબરે મદ્રાસમાં થયો.
* આંખો કાળી ભૂરી.
* માતાનું નામ પુષ્પાવલ્લી ગણેશન અને પિતા દક્ષિણના સુપ્રસિદ્ધ કલાકાર શિવાજી ગણેશન.
* મેટ્રીક સુધી શિક્ષણ લીધું.
* લીલો, પીળો, ભૂરો અને સોનેરી રંગ વધુ પસંદ છે.
* શિસ્તમાં માનતી નથી. તદ્દન લાપરવા રહે છે.
* જમણા હાથની વચલી આંગળીએ હીરાની વીંટી પહેરે છે. વીંટીને ભાગ્યશાળી માને છે. એ વીંટીની કિંમત છે અગિયાર હજાર રૂપિયા.
* બાળપણમાં ખૂબ જાડી હતી. એ વખતે ખૂબ ખાવું અને ફિલ્મો જોવી એ બે મનગમતા શોખ હતા. બાળપણમાં અડધી પાટલૂન અને ફ્રોક પહેરવાનું ગમતું.
* કાંજીવરમ સિલ્ક અને ભડક રંગોની સાડીઓ બહુ ગમે.
* રાત્રે જલદી સૂઈને વહેલી સવારે ઊઠી દરિયા કિનારે ટહેલવાની આદત છે.
* એ આખાબોલી છે. પાણીપુરી, મોગલાઈ ભોજન, મૂળાનું કચુંબર અને મસાલેદાર વાનગીઓની શોખીન. નાસ્તામાં મદ્રાસી વાનગીઓ પસંદ કરે છે. જમ્યા પછી ચોકલેટ ખાવાની આદત છે.
* ફુરસદના સમયે રોમાન્ટીક વાર્તાઓ વાચે છે. મનગમતું પુસ્તક છે: મેરલીન મનરોની આત્મકથા.
* બે બહેનો અને બે ભાઈઓ છે.
* લોકેટ પહેરવાની શોખીન છે.
* સંગીત અત્યંત વહાલું છે. જૉજનું ‘ફાસ્ટ મ્યુઝિક’ ઉપરાંત મહેંદી હસનની ગઝલો અને લતાના દર્દભર્યા ગીતો ખૂબ પસંદ કરે છે.
* એનો વોર્ડરોબ એટલે જાણે વસ્ત્રોનું મ્યુઝિયમ. દરેક જાતના કપડાં છે.
* ભૂતપ્રેતમાં માને છે. ધર્મમાં જબરી આસ્થા છે.
* પુનર્જન્મમાં પણ માને છે. પોતે આગલા જન્મમાં રાજસ્થાનની ‘રાજનર્તકી’ હતી એવું કહે છે.
* રમતગમતમાં બહુ રસ નથી. પાનાં કે ટેબલ-ટેનિસ રમે ખરી.
* મોટર ચલાવવા પ્રત્યે નફરત છે કારણ કે પોતાને ડ્રાઈવીંગ બરાબર આવડતું નથી.
* બહુ જલદી ગુસ્સે થઈ જાય છે. એક પળમાં ગરમ પણ બીજી પળે પાછી નરમ.
* એને રાત્રે સપનાં આવે છે.
* જાતજાતનાં પરફ્યુમ્સનો શોખ છે. મોટે ભાગે ઈન્ટીમેટ, લીલી અને ફ્રેન્ચ લવીના બહુ ગમે.
* હાથે મેંદી મૂકવાનો જબરો શોખ.
* ખોટા ખર્ચા બહુ કરે, પછી ખર્ચ ઘટાડવાને બદલે આવક વધારવાના કીમિયા વિચાર્યા કરે છે.
* બહુ ચબરાક અને ધારદાર રમૂજવૃત્તિવાળી છે.
* અંગ્રેજી, હિંદી, તમિળ, તેલગુ, મરાઠી અને બંગાળી સરસ આવડે છે.