હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય ટેલિવિઝન પર સૌથી મોટા બની રહેલા અને ખૂબ લોકપ્રિય નિવડેલા ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ને અલવિદા કરી દીધી છે. એમણે આ શો ‘કેબીસી’ની 10મી સીઝનનું હાલમાં જ સમાપન કરી દીધું છે. ગયા બુધવારે એમણે આ શોનો આખરી શો શૂટ કર્યો હતો.
76-વર્ષના અમિતાભ બચ્ચન સોની ટીવી પરથી પ્રસારિત કરાયેલા આ ટેલિવિઝન રિયાલિટી શોની 10માંથી 9 સીઝનનાં સંચાલક રહ્યાં છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની માત્ર એક જ, ત્રીજી સીઝન અમિતાભ સંચાલિત કરી શક્યા નહોતા. એ શોને શાહરૂખ ખાને હોસ્ટ કર્યો હતો. અમિતાભ બચ્ચન બીમાર પડી ગયા હોવાથી કેબીસી-3 શોનાં સંચાલક એ રહી શક્યા નહોતા. એ શોનું સંચાલન શાહરૂખ ખાને કર્યું હતું. શો 2007ની 22 જુલાઈથી શરૂ થયો હતો, પણ એમાં કોઈ વિજેતા જાહેર કરાયો નહોતો.
અમિતાભે એમના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ મૂકીને જણાવ્યું છે કે આ શોની આખરી સીઝનનું સમાપન કરતા એમને કેવી લાગણી થાય છે.
T 3000 – KBC Finale done .. end of this season .. its 10 seasons of KBC .. its 18 years of KBC from year 2000 .. its for me 716 episodes of KBC .. its 855 hours over 9 seasons .. additionally about 3-4 hours of work over each episode , & another 4-5 hours of prep on each episode
— Amitabh Bachchan (@SrBachchan) November 19, 2018
એમણે લખ્યું છે કે 2000ની સાલથી શરૂ થયેલો KBC શોની 10 મોસમ થઈ અને શો 18 વર્ષ સુધી ચાલ્યો.
અમિતાભે પોતે ‘કેબીસી’ના કુલ 716 એપિસોડ કર્યા. 9 સીઝન માટે એમણે કુલ 855 કલાકો ફાળવ્યાં હતાં.
‘કેબીસી-10’ના આખરી એપિસોડમાં કોમેડી કિંગ કપિલ શર્મા જોવા મળશે.
ક્વીઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’નો આરંભ 2000ની સાલમાં થયો હતો અને એની સાથે જ અમિતાભે ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું.
આ શોએ સમાજના તમામ વર્ગનાં ઘણાં લોકોને ટીવી પર ચમકવા અને એમનાં જ્ઞાન તથા ડહાપણનું કરોડો દર્શકો સમક્ષ પ્રદર્શન કરવાનો મોકો આપ્યો હતો.
‘કેબીસી-10’નો આખરી એપિસોડ 23 નવેમ્બરે ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.
‘કેબીસી-10’નો પહેલો એપિસોડ ગઈ 3 સપ્ટેંબરે પ્રસારિત કરવામાં આવ્યો હતો.
‘કૌન બનેગા કરોડપતિ’ શો ભારતીય ટેલિવિઝન પર અત્યાર સુધીનો સૌથી મોટો ક્વિઝ શો બન્યો છે.
આ શો બ્રિટનના ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ને આધારિત હતો.
આ છે, ‘કૌન બનેગા કરોડપતિ’ના અમિતાભ સંચાલિત શોનાં કરોડપતિ વિજેતાઓ…
કેબીસી-1નાં વિજેતા હર્ષવર્ધન નવાઠે
કેબીસી-2નાં વિજેતા બ્રિજેશ દ્વિવેદી
કેબીસી-4નાં વિજેતા રાહત તસલીમ
કેબીસી-5નાં વિજેતા સુશીલ કુમાર
કેબીસી-6નાં બે સંયુક્ત વિજેતા મનોજકુમાર રૈના, સનમીત કૌર સાહની
કેબીસી-7નાં બે સંયુક્ત વિજેતા તાજ મોહમ્મદ રંગરેઝ અને ફિરોઝ ફાતીમા
કેબીસી-8નાં વિજેતા નરુલા ભાઈઓ – અચીન અને સાર્થક
કેબીસી-9નાં વિજેતા અનામિકા મઝુમદાર